જળ, જમીન અને દોડના મેદાનમાં પોતાની અદ્ભુત ક્ષમતાની સાબિતી આપીને ગુજરાતનું ગૌરવ વધારનાર પૂજા ચૌઋષિની જીવનયાત્રા આજે અનેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની ગઈ છે. જ્યારે સમાજમાં સામાન્ય રીતે સગા સંબંધીઓ દીકરીના ભવિષ્ય માટે સોનાના દાગીના ખરીદવામાં રસ દાખવતા હોય છે, ત્યારે પૂજાના પિતાએ દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને સાયકલ અપાવી હતી. બાળપણથી જ સ્વિમિંગમાં હીરા સમાન પ્રતિભા ધરાવનાર પૂજાએ માત્ર નવ વર્ષની ઉંમરથી જ મેડલ જીતવાની શરૂઆત કરી હતી. પોતાની અથાક મહેનત અને પરિવારના મજબૂત સહકારથી તેમણે ખેલાડી તરીકેની કારકિર્દીમાં બાસીથથી પણ વધુ મેડલ મેળવીને ઇતિહાસ રચ્યો છે. કઝાકિસ્તાન ખાતે યોજાયેલી એશિયન કપ સ્પર્ધામાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતીને વિદેશી ધરતી પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાની ક્ષણ તેમની આંખોમાં આજે પણ ગર્વના આંસુ લાવી દે છે.
સ્વિમિંગના શિખરો સર કર્યા બાદ ટ્રાયથ્લોન રમતમાં નાટ્યાત્મક પ્રવેશ કરનાર પૂજાએ પ્રતિકૂળ સંજોગો સામે ક્યારેય ઘૂંટણ ટેકવ્યા નહોતા. મોંઘા સાધનોની અછત અને આર્થિક મર્યાદાઓ વચ્ચે પણ તેમણે પોતાની હિંમત જાળવી રાખી નેશનલ રેકોર્ડ બનાવ્યા હતા. જોકે, જીવન હંમેશાં એક સરખું રહેતું નથી અને 2016માં રોડ પર સાયકલિંગની પ્રેક્ટિસ દરમિયાન થયેલા ગંભીર અકસ્માતે તેમની ખેલાડી તરીકેની સફર પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. અકસ્માતમાં લીગામેન્ટ ફાટી જવાથી ડોક્ટરોએ તેમને કાયમ માટે રમતથી દૂર રહેવાની સલાહ આપી, જેના કારણે તેઓ થોડો સમય ગંભીર માનસિક તાણનો પણ ભોગ બન્યા હતા. પરંતુ, આ મુશ્કેલ સમયમાં પણ તેમણે હાર ન માની અને ઇજાને જ પોતાની નવી ઓળખ બનાવવાની તક માની લીધી. પોતે જે સંઘર્ષોનો સામનો કર્યો હતો તે અન્ય કોઈ ખેલાડીએ ન કરવા પડે તે માટે તેમણે કોચિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું અને આજે તેઓ વિશ્વસ્તરે નામના મેળવી રહ્યા છે.
વર્તમાન સમયમાં તેઓ વર્લ્ડ ટ્રાયથ્લોન સ્તરના અગ્રણી કોચ તરીકે સેવા આપી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સાથે પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહ્યા છે. પોતાનું ઓલિમ્પિકમાં રમવાનું સપ્નું ભલે ઇજાના કારણે અધૂરું રહી ગયું હોય, પરંતુ આજે તેઓ પોતાના ખેલાડીઓને તૈયાર કરીને એ સપનું સાકાર કરી રહ્યા છે. માતા-પિતા અને ભાઈના અતૂટ સમર્થનને કારણે જ તેઓ આ મુકામ પર પહોંચી શક્યા છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયા જેવા અભિયાનોના કારણે આજે રમતગમત પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલાયો છે અને દીકરીઓ પણ આ ક્ષેત્રે અદ્ભુત સફળતા મેળવી રહી છે. પૂજા ચૌઋષિની આ અદમ્ય ગાથા સાબિત કરે છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય, તો કોઈપણ મુશ્સિબત વ્યક્તિને મંઝિલ સુધી પહોંચતા અટકાવી શકતી નથી.
