દિલ્હીમાં એક વકીલ દ્વારા શિવસેના નેતા સંજય રાઉતના વિવાદિત સોશિયલ મીડિયા પોસ્ટ મામલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ગંભીર બાબતમાં રાઉતની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની અને એફઆઈઆર નોંધીને ઊંડી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સંજય રાઉતે સોશિયલ મીડિયા પર અલ્બેનીયાની સર્વોચ્ચ અદાલતમાં તોડફોડ અને ઉત્પાત મચાવતો એક વાઇરલ વિડિયો શેર કર્યો હતો. આ પોસ્ટ દ્વારા બંધારણીય સંસ્થાઓ વિરુદ્ધ હિંસા અને અરાજકતા ફેલાવવવાની આડકતરી પ્રોત્સાહન આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ વકીલ દ્વારા કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને દેશના નાગરિકોને અને ખાસ કરીને ભારતના સંદર્ભમાં ખોટા પાઠ શીખવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અત્યંત આપત્તિજનક અને નિંદનીય છે. આ પોસ્ટ થકી દેશની સર્વોચ્ચ અદાલત અને અન્ય બંધારણીય સંસ્થાઓની ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અગાઉ પણ સંજય રાઉતના કેટલાક અન્ય વિવાદાસ્પદ નિવેદનો અને ટિપ્પણીઓને લઈને અદાલતમાં કાર્યવાહી ચાલી રહી છે, જેનો ઉલ્લેખ કરીને આ નવી ફરિયાદને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
આ ઘટનાક્રમ દેશના રાજકીય અને કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. લોકશાહી વ્યવસ્થામાં બંધારણીય સંસ્થાઓનું સન્માન જાળવવું એ દરેક નાગરિક અને રાજકીય નેતાની પ્રાથમિક ફરજ છે, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રકારે ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવવી એ દેશની આંતરિક સુરક્ષા અને ન્યાયતંત્ર માટે ગંભીર જોખમ સમાન ગણવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસ હવે આ ફરિયાદના આધારે કાયદાકીય અભિપ્રાય મેળવી રહી છે અને આગામી દિવસોમાં આ મામલે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
