JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

સ્માર્ટફોન માટે સિંગલ કે મલ્ટી પોર્ટ ચાર્જર: ખરીદતાં પહેલાં જાણો અસલી તફાવત અને જરૂરી બાબતો

Oct 21, 2026 | 12:34 | By JAMNAGAR MIRROR
સ્માર્ટફોન માટે સિંગલ કે મલ્ટી પોર્ટ ચાર્જર: ખરીદતાં પહેલાં જાણો અસલી તફાવત અને જરૂરી બાબતો

આજકાલ મોટાભાગના લોકો પાસે ચાર્જ કરવા માટે એક કરતાં વધુ ડિવાઇસ ઉપલબ્ધ હોય છે. આવી સ્થિતિમાં અનેક લોકો એવું ચાર્જર ખરીદવાનું વિચારે છે, જેમાં એકસાથે અનેક ડિવાઇસ ચાર્જ કરી શકાય. આ પ્રકારના ચાર્જરને મલ્ટી પોર્ટ ચાર્જર તરીકે ઓળખવામાં આવે છે. તેની કિંમત સામાન્ય ચાર્જર કરતાં વધુ હોય છે. મલ્ટી પોર્ટ ચાર્જર ખરીદતી વખતે લોકોના મનમાં વારંવાર પ્રશ્ન થાય છે કે શું ખરેખર તેમને આવા ચાર્જરની આવશ્યકતા છે? આ માટે તમારી જરૂરિયાત અને તેની ટેક્નોલોજી સમજવી ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે એક કે બે નહીં પરંતુ અનેક ગેજેટ્સ એકસાથે ચાર્જ કરવાનાં હોય અથવા મુસાફરી દરમિયાન એક કરતાં વધુ ચાર્જર સાથે રાખવા ન ઇચ્છતા હો, તો આ ચાર્જર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

જો તમારી પાસે માત્ર સ્માર્ટફોન અથવા ઇયરબડ્સ જેવાં એક કે બે જ ડિવાઇસ હોય, તો મલ્ટી પોર્ટ ચાર્જર પાછળ વધુ નાણાં ખર્ચવાની જરૂર રહેતી નથી. જો તમે તમારા આ ડિવાઇસને અલગ-અલગ સમયે ચાર્જ કરી શકો છો, તો પણ આવું ચાર્જર ખરીદવું જરૂરી નથી. ખાસ કરીને જ્યારે સ્માર્ટફોન સાથે કંપની દ્વારા જ ચાર્જર પૂરું પાડવામાં આવતું હોય, ત્યારે તે ચાર્જર ડિવાઇસ માટે વધુ ઉત્તમ સાબિત થાય છે કારણ કે કેટલીક કંપનીઓના સ્માર્ટફોન ખાસ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. મલ્ટી પોર્ટ ચાર્જર ખરીદતી વખતે તેના બોક્સ પર લખેલી કુલ વોટ પાવરની જાહેરાત પર જ આંધળો ભરોસો કરવો જોઈએ નહીં. ઘણી વખત તમામ પોર્ટના મહત્તમ આઉટપુટનો સરવાળો કરીને ચાર્જરને વધુ ક્ષમતાવાળું ગણાવવામાં આવે છે, વાસ્તવમાં દરેક પોર્ટનું આઉટપુટ અલગ હોઈ શકે છે.

મલ્ટી પોર્ટ ચાર્જર ખરીદતાં પહેલાં હંમેશાં તપાસવું જોઈએ કે દરેક પોર્ટ કેટલા વોટનું પાવર આઉટપુટ પ્રદાન કરે છે. આ માહિતી સામાન્ય રીતે ચાર્જરની બાજુમાં અથવા તેના ઉપર અંકિત કરેલી હોય છે. એકસાથે બે કે તેથી વધુ પોર્ટનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પાવરનું વિતરણ કેવી રીતે થાય છે તે જાણવું પણ અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત, ગેલિયમ નાઇટ્રાઇડ ટેક્નોલોજી ધરાવતા ચાર્જર પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ ટેક્નોલોજીવાળા ચાર્જર કદમાં નાના અને કોમ્પેક્ટ હોવાની સાથે ગરમીનું સંચાલન પણ ખૂબ જ અસરકારક રીતે કરી શકે છે, જેના કારણે મુસાફરી દરમિયાન તેને સાથે લઈ જવામાં ઘણી સરળતા રહે છે.

બજારમાંથી નવું ચાર્જર ખરીદતી વખતે તે પાવર ડિલિવરી અથવા પ્રોગ્રામેબલ પાવર સપ્લાય જેવા આધુનિક ચાર્જિંગ સ્ટાન્ડર્ડને સમર્થન આપે છે કે નહીં તેની ખાતરી કરી લેવી જોઈએ. આ સ્ટાન્ડર્ડની મદદથી ડિવાઇસ અને ચાર્જર વચ્ચે યોગ્ય માત્રામાં પાવરનું સંચાલન થઈ શકે છે. જોકે, ઝડપી ચાર્જિંગનો સંપૂર્ણ લાભ મેળવવા માટે ફોન, ચાર્જર અને કેબલ ત્રણેય વચ્ચે યોગ્ય તાલમેલ હોવો અનિવાર્ય છે. માત્ર આવા સ્ટાન્ડર્ડનું સમર્થન હોવું એ દરેક ફોનમાં મહત્તમ ઝડપી ચાર્જિંગની સંપૂર્ણ ખાતરી આપતું નથી, તેથી પોતાની જરૂરિયાત મુજબ જ યોગ્ય નિર્ણય લેવો હિતાવહ છે.

LATEST ARTICLES