JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ગાંધીનગરના કોલવડામાં પાંચસો વર્ષ જૂની મા લાલઘરની પરંપરાગત સગડીનો ધાર્મિક પ્રસંગ ઉત્સાહભેર ઉજવાયો

Oct 21, 2026 | 01:21 | By JAMNAGAR MIRROR
ગાંધીનગરના કોલવડામાં પાંચસો વર્ષ જૂની મા લાલઘરની પરંપરાગત સગડીનો ધાર્મિક પ્રસંગ ઉત્સાહભેર ઉજવાયો

પાટનગર ગાંધીનગરના કોલવડા ગામમાં આસો સુદ આઠમના પવિત્ર દિવસે ગામની આગવી ઓળખ સમાન મા લાલઘરની પરંપરાગત સગડીનો ધાર્મિક પ્રસંગ ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. અંદાજે પાંચસો વર્ષ જૂની આ પ્રાચીન પરંપરા નાયક પરિવાર દ્વારા પેઢી દર પેઢી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવે છે. આ ભવ્ય પ્રસંગ કોલવડા ગામની ગાઢ ધાર્મિક આસ્થા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ગ્રામીણ સમૂહભાવનાનું સર્વોત્તમ પ્રતીક બની રહ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી.

માતાજી પ્રત્યેની આકરી બાધા અને માનતાની પરંપરા અંતર્ગત ભાદરવા માસની શરૂઆતથી જ વિવિધ ધાર્મિક વિધિઓનો શુભારંભ થઈ જાય છે. નવરાત્રિના આસો સુદ આઠમના દિવસે માતાજીની અગ્નિ સગડી અને નોમના દિવસે પરંપરાગત ભવાઈનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ વિજયાાદશમી એટલે કે દશેરાના પવિત્ર દિવસે માતાજીના નિજ મંદિરે વિશેષ હવન અને પૂજા-અર્ચના કરીને આ ધાર્મિક બાધાની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. પરંપરાગત સગડીની આ વિશિષ્ટ વિધિમાં આઠમના દિવસે સમગ્ર ગામના લોકો એકત્રિત થઈને આ અનન્ય પરંપરાના સાક્ષી બને છે.

આ વિધિ દરમિયાન નાયક પરિવાર દ્વારા માતાજીની પરંપરાગત વેશભૂષા ધારણ કરવામાં આવે છે અને ગામના વારાહી માતાજીના મંદિરે પાયલ બાંધીને તેમની આગેવાની હેઠળ આગળની વિધિ સંપન્ન થાય છે. આ પછી પાટીદાર માંડવી ચોક ખાતે પહોંચીને માતાજીના પ્રાગટય અને આશીર્વાદ સાથે જોડાયેલી પૌરાણિક વાતોથી ગ્રામજનોને અવગત કરાવાય છે. આ પ્રસંગે પરિવાર દ્વારા માતાજીના વાળમાં તેલ પૂરવાની વિધિ પણ કરવામાં આવે છે. તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ માતાજીનો વેશ ધારણ કરનાર પરિવાર સળગતી સગડી હાથમાં લઈને ચોકમાં પરંપરાગત ગરબી રમે છે અને અંતે સગડીને બાજોઠ પર ફોડવામાં આવે છે, જેનાથી સમગ્ર ગામ ભક્તિમય બની જાય છે.

LATEST ARTICLES