રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા અને કાગવડ ગામ વચ્ચે રેલવે ટ્રેક પરથી મળી આવેલા એક યુવતીના શંકાસ્પદ મૃતદેહના પ્રકરણમાં વીરપુર પોલીસે એક ચોંકાવનારો ભેદ ઉકેલી કાઢ્યો છે. પ્રાથમિક નજરે અકસ્માત કે આત્મહત્યા જેવી લાગતી આ ઘટના વાસ્તવમાં એક પૂર્વઆયોજિત અને ઘાતકી હત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મામલે મૃતક મહિલાના પતિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાગવડ ગામની સીમમાં ખેત મજૂરી કામ કરતા પરિવારની અઠ્ઠાવીસ વર્ષીય દક્ષાબેન નામની યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. રાત્રિના સમયે પસાર થઈ રહેલી ટ્રેનના લોકો પાયલટે સતર્કતા વાપરી ટ્રેન થોભાવી દીધી હતી અને રેલવે પોલીસને જાણ કરી હતી. બનાવ વીરપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવાથી પોલીસે મૃતદેહનો કબજો મેળવી રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ અર્થે મોકલી આપ્યો હતો. તબીબી અહેવાલમાં ખુલાસો થયો હતો કે યુવતીનું મૃત્યુ ટ્રેનની હડફેટે આવવાથી નહીં, પરંતુ ગળું દબાવીને શ્વાસ રોકી દેવાથી થયું હતું.
ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થતાં જ પોલીસની તપાસની સોય મૃતકના પતિ દીપક તરફ ગઈ હતી. પોલીસે પતિને સકંજામાં લઈને કડક પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. આરોપી પતિએ પત્ની પર શંકા રાખીને ગળું દબાવી હત્યા કરી હતી અને આ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે મૃતદેહને રેલવે ટ્રેક પર મૂકી દીધો હતો. એટલું જ નહીં, ટ્રેક પર મહિલાના શ્વાસ ચાલુ હોવાથી પથ્થરના ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે પિતાની ફરિયાદના આધારે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
