મુંબઈના જુહુ વિસ્તારમાં પ્રખ્યાત ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફને નિશાન બનાવીને કરવામાં આવેલા ગોળીબારના પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વાતો બહાર આવી છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ ખતરનાક હુમલો ખુબ જ ગહન આયોજન પૂર્વક કુખ્યાત ગેંગના માધ્યમથી પાર પાડવામાં આવ્યો હતો. હુમલાખોરો સતત પોતાના વિદેશી હેન્ડલર્સના સંપર્કમાં હતા અને દરેક પળની જાણકારી આપી રહ્યા હતા. અભિનેતા જ્યારે ફૂટબોલ રમીને પર ફરી રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર સવાર હુમલાખોરોએ તેમની ગાડી પર ધડાધડ ગોળીઓ વરસાવી હતી. ગોળીબાર કર્યા બાદ તરત જ હુમલાખોરોએ પોતાના હેન્ડલર્સને ફોન કરીને ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થઈ ગયાની જાણ કરી હતી.
પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે હુમલો કરતા પહેલા આરોપીઓએ અભિનેતાનો એક નાનો વિડીયો પોતાના હેન્ડલર્સને મોકલ્યો હતો અને લીલી ઝંડી મળ્યા બાદ જ આ જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર ષડયંત્ર પાછળ એક જાણીતી ગેંગનો હાથ હોવાનું અનુમાન છે. આ મામલે રાજસ્થાનના કોટામાંથી ઝડપાયેલા ત્રણ આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. અગાઉ પણ આમાંના કેટલાક શખ્સો અન્ય ગુનાઓમાં સંડોવાયેલા હોવાની શંકા છે. આરોપીઓને વિદેશ મોકલવાનું પ્રલોભન આપીને તથા એડવાન્સ રકમ ચૂકવીને આ કૃત્ય કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી પોલીસે ખાલી કારતૂસ અને જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા છે જે હથિયાર જામ થઈ જવાના કારણે નીચે પડી ગયા હતા.
મુંબઈ પોલીસની વિશેષ ટીમ આ કેસની તમામ કડીઓ જોડવામાં લાગેલી છે. પકડાયેલા આરોપીઓના મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસ કરાવવામાં આવશે જેથી ખબર પડી શકે કે તેમણે રેકી દરમિયાન કયા કયા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને કોની સાથે સંપર્કમાં હતા. સોશિયલ મીડિયા પર આ હુમલાની જવાબદારી સ્વીકારતી એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં ફિલ્મ જગતના અન્ય કલાકારોને પણ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ આ તમામ ધમકીઓને ગંભીરતાથી લઈને ગેંગના વ્યાપક નેટવર્કને તોડી પાડવા માટે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી રહી છે.
