દીવાળીનો તહેવાર નજીક હોવાથી મુંબઈના જુહુ વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાને શરૂઆતમાં લોકોએ ફટાકડા ફોડવાનો અવાજ સમજ્યો હતો, પરંતુ થોડી જ વારમાં સમગ્ર પરિસ્થિતિનો ભયાનક ખ્યાલ આવ્યો હતો. રવિવારે સાંજે બોલિવૂડના લોકપ્રિય અભિનેતા અને જેકી શ્રોફના સુપુત્ર ટાઈગર શ્રોફની કારને નિશાન બનાવીને કેટલાક અજાણ્યા હુમલોખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં અભિનેતાનો ડ્રાઈવર અને એક ઓટોરિક્ષાના ચાલક ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે સદનસીબે અભિનેતા આ હુમલામાં હેમખેમ બચી ગયા હતા.
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓ અને વ્લોગર્સના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં એક જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી અને લોકો પોતાના વ્લોગ બનાવી રહ્યા હતા. તે સમયે વાતાવરણ એકદમ સામાન્ય હતું અને કેટલાક કલાકારો ફૂટબોલ રમી રહ્યા હતા. અચાનક એક શંકાસ્પદ યુવક ત્યાં આવ્યો અને તેણે ગોળીબાર શરૂ કરી દીધો. લોકો દીવાળીના તહેવારના કારણે એમ સમજ્યા કે કોઈ ફટાકડા ફોડી રહ્યું છે, પરંતુ જ્યારે ટાઈગર શ્રોફની કાર અટકી અને ડ્રાઈવર લોહીથી લથપથ હાલતમાં બહાર આવ્યો ત્યારે વાસ્તવિક હકીકત સામે આવી હતી અને ભારે ભાગદોડ તથા ગભરાટ ફેલાઈ ગયો હતો.
આ ગંભીર ઘટના જુહુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પુષ્પા પાર્ક પાસે બની હતી. સમાચાર મળતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજ તથા વાયરલ વીડિયોની મદદથી હુમલાખોરોની ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે અને આ હુમલા પાછળનો હેતુ શું હતો તે જાણવા માટે તમામ કડીઓ જોડવામાં આવી રહી છે. દિવાળી ટાણે જ મુંબઈ જેવા સુરક્ષિત ગણાતા વિસ્તારમાં બોલિવૂડ સેલિબ્રિટી પર થયેલા આ હુમલાથી ફિલ્મ જગત અને સામાન્ય જનતામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
