રાજકોટ શહેરના કુવાડવા રોડ નજીક આવેલી શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં માનવતાને શર્મસાર કરતી અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક નિષ્ઠુર જનેતાએ પોતાની જ અઢી વર્ષની વહાલસોઈ દીકરી સ્નેહલને ઈમારતના છઠ્ઠા માળેથી નીચે ફેંકી દઈ નિર્મમ હત્યા કરી નાખી છે. શરૂઆતમાં દીકરી રમતા રમતા અકસ્માતે નીચે પડી ગઈ હોવાનું નાટક કરી મગરમચ્છના આંસુ સારતી માતા સામે પોલીસને પ્રથમથી જ શંકા હતી. ક્રાઈમ બ્રાન્ચે ત્રણ દિવસની ઊંડાણપૂર્વકની તપાસ અને આકરી પૂછપરછ હાથ ધરતાં આખરે સમગ્ર કરતૂતનો પર્દાફાશ થયો છે અને પોલીસે હત્યારી માતા પૂનમ સાકરીયાની ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસમાં સામે આવેલી ચોંકાવનારી વિગતો અનુસાર, પૂનમ ભવિષ્યમાં બીજા લગ્ન કરવા માંગતી હતી અને આ માસૂમ બાળકી તેના નવા સંબંધોમાં આડખીલીરૂપ બનતી હતી. આથી તેણે ક્રૂરતાપૂર્વક ફૂલ જેવી દીકરીને રસ્તામાંથી હટાવી દેવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. પોલીસ સમક્ષ પૂનમે કબૂલાત કરી હતી કે તેણે પોતાના હાથે જ બાળકીને છઠ્ઠા માળેથી નીચે ફેંકી દીધી હતી. બાળકીના પિતા સંજય વશરામભાઈ સાકરીયાની ફરિયાદના આધારે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી મહિલા સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક બાળકીના પિતા સંજય સાકરીયાએ ચોધાર આંસુએ રડતાં જણાવ્યું હતું કે, તેઓ ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા. વચ્ચે કામધંધો છૂટી જતાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જેથી પૂનમ દોઢેક વર્ષ પહેલાં દીકરીને લઈને પિયર રિસામણે ચાલી ગઈ હતી. અનેક સામાજિક પ્રયાસો છતાં તે પરત આવવા તૈયાર નહોતી. જ્યારે પરિવારજનો મારફતે દીકરીને સોંપવાની માંગણી કરવામાં આવી ત્યારે પૂનમે એવી ખુલ્લી ધમકી આપી હતી કે, દીકરી મારેય નથી જોઈતી અને તનેય નહીં આપું, તેને જાનથી મારી નાખીશ. આખરે પત્નીએ પોતાની જ દીકરીનો જીવ લઈને પોતાની ધમકી સાચી કરી બતાવી.
