કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશના આર્થિક રીતે નબળા પરિવારો તેમજ ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક રૂપિયા ૫ લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે. જોકે, સામાન્ય નાગરિકોમાં ઘણીવાર એવી ગેરસમજ જોવા મળે છે કે આ કાર્ડ ધારક કોઈપણ તબીબી સંસ્થામાં જઈને મફત ઈલાજ કરાવી શકે છે. વાસ્તવમાં આ યોજનાનો લાભ માત્ર સરકાર માન્ય અને યોજના સાથે જોડાયેલી હોસ્પિટલોમાં જ મળે છે. તેથી ઈમરજન્સીના સમયે દોડધામથી બચવા માટે લાભાર્થીઓએ અગાઉથી જાણવું જરૂરી છે કે તેમના રહેઠાણની આસપાસ કઈ હોસ્પિટલોમાં આ કાર્ડ માન્ય છે.
આ યોજના હેઠળ માત્ર સરકારી દવાખાના જ નહીં, પરંતુ નિયમોનું પાલન કરતી પસંદગીની પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં દરેક ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ સ્વીકારવામાં આવતું નથી. આ ઉપરાંત, આ કાર્ડ દ્વારા તમામ પ્રકારની બીમારીઓનો ઈલાજ શક્ય નથી, કારણ કે સરકારે અમુક ચોક્કસ રોગો અને તબીબી પ્રક્રિયાઓને જ આ યોજનામાં આવરી લીધી છે. તેથી કોઈપણ ગંભીર સારવાર કે સર્જરી શરૂ કરાવતા પહેલા દર્દીના પરિજનોએ હોસ્પિટલમાં હાજર આયુષ્માન મિત્ર અથવા સંબંધિત ડેસ્ક પર પૂછપરછ કરીને પોતાની બીમારી કવર થાય છે કે નહીં તેની ખાતરી કરી લેવી જોઈએ. આ ૫ લાખ રૂપિયાનું હેલ્થ કવર કુટુંબના દરેક સભ્ય માટે અલગ નહીં, પરંતુ સમગ્ર પરિવાર માટે સંયુક્ત રીતે વાર્ષિક ધોરણે મળવાપાત્ર છે.
નાગરિકો પોતાના વિસ્તારમાં આવેલી માન્ય હોસ્પિટલોની અદ્યતન યાદી કોઈપણ મુશ્કેલી વિના ઘરે બેઠા ઓનલાઈન પોર્ટલ પરથી ચકાસી શકે છે. ડિજિટલ માધ્યમ પર રાજ્ય અને જિલ્લો પસંદ કરીને આયુષ્માન સંલગ્ન હોસ્પિટલોની વિગતો સરળતાથી જોઈ શકાય છે. જો કોઈ નાગરિકને ઓનલાઈન માહિતી મેળવવામાં તકલીફ પડતી હોય, તો તેના નિવારણ માટે સત્તાવાર હેલ્પલાઈન કાર્યરત છે. લાભાર્થીઓ સીધા ૧૪૫૫૫ નંબર પર કોલ કરીને પોતાની નજીકની હોસ્પિટલો, યોજનાના નિયમો અને સારવાર અંગેની તમામ સચોટ માહિતી વિનામૂલ્યે મેળવી શકે છે.
