મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે જમીન અને પાકના વાજબી વળતરની માંગણી સાથે ધરતીપુત્રો દ્વારા લાંબા સમયથી સત્યાગ્રહ છાવણી નાખીને લડત ચલાવવામાં આવી રહી છે. પોતાના હક્ક માટે લડી રહેલા ખેડૂતો દ્વારા આંદોલનને વધુ ધારદાર અને વ્યાપક બનાવવા માટે આગામી દિવસોમાં રાજ્યવ્યાપી વિશાળ ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતભરના ખેડૂતો તેમજ વિવિધ સામાજિક સંગઠનોના અગ્રણીઓને એક મંચ પર લાવીને મોટા પાયે આંદોલન છેડવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તેવામાં આ સમગ્ર મામલે હવે એક મોટો અને સકારાત્મક વળાંક જોવા મળ્યો છે.
આ લડતને યોગ્ય દિશા આપવાના ભાગરૂપે જેતપર સત્યાગ્રહ છાવણીના અગ્રણી ખેડૂત પ્રતિનિધિઓ ગાંધીનગર ખાતે સિદસર ઉમિયાધામ સંસ્થાના હોદ્દેદારોને મળવા પહોંચ્યા હતા. આ બેઠક દરમિયાન ખેડૂતોએ ખાનગી કંપની દ્વારા લાઈન નાખતી વખતે કરવામાં આવતા અન્યાય અને મળવાપાત્ર વળતરના વિવાદ અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. ખેડૂતોની વેદના સાંભળ્યા બાદ સિદસર ઉમિયાધામ સંસ્થાના ટ્રસ્ટીઓએ ખેડૂતોની ન્યાયી માંગણીઓને વાજબી ગણાવી હતી અને આ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર સાથે સીધી મધ્યસ્થી કરવાની સ્પષ્ટ તૈયારી દર્શાવી હતી.
ઉમિયાધામના ટ્રસ્ટીઓએ ખેડૂત આગેવાનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે સરકાર પણ ખેડૂતોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવા માટે તૈયાર છે. જેથી ટૂંક સમયમાં જ ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં ઉમિયાધામના ટ્રસ્ટીઓ, સત્યાગ્રહ છાવણીના ખેડૂત પ્રતિનિધિઓ તેમજ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના અગ્રણી ખેડૂત આગેવાનો એકસાથે ઉપસ્થિત રહીને સરકાર સમક્ષ વળતર નીતિ અંગે નક્કર રજૂઆત કરશે. સામાજિક સંસ્થાની આ પહેલથી લાંબા સમયથી વીજ કંપની સામે ચાલતા આ વિવાદનો સત્વરે સુખદ અંત આવવાની પ્રબળ સંભાવનાઓ ઊભી થઈ છે.
