JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અમદાવાદમાં રાજકીય પક્ષના ઓઠા હેઠળ ૨૫૦ કરોડની મસમોટી કરચોરીનો પર્દાફાશ: આવકવેરા વિભાગે સકંજો કસ્યો

Oct 16, 2026 | 13:40 | By JAMNAGAR MIRROR
અમદાવાદમાં રાજકીય પક્ષના ઓઠા હેઠળ ૨૫૦ કરોડની મસમોટી કરચોરીનો પર્દાફાશ: આવકવેરા વિભાગે સકંજો કસ્યો

અમદાવાદમાં રાજકીય પક્ષના નામે આચરવામાં આવેલા રૂપિયા ૨૫૦ કરોડથી વધુના મસમોટા કરચોરી અને છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આવકવેરા વિભાગની સઘન તપાસમાં બહાર આવ્યું છે કે કાગળ પર માત્ર નામ પૂરતી ચાલતી 'આમ જનમત પાર્ટી' દ્વારા પોતાના મુખ્ય હોદ્દેદારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે મળીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ ગંભીર નાણાકીય ગેરરીતિ સામે આવકવેરા વિભાગના મદદનીશ કમિશનર દ્વારા તમામ સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ દાખલ કરીને કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ દરમિયાન આ પાર્ટીના બેંક ખાતાઓમાં ૮૪૩ કરોડ રૂપિયાથી પણ વધુ રકમના શંકાસ્પદ આર્થિક વ્યવહારો નોંધાયા હતા. આ કાવતરામાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ મિશ્રા, ખજાનચી ધર્મેન્દ્ર વૈષ્ણવ, વ્યવસ્થાપક દિનેશકુમાર જૈન તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મયૂરસિંહ રાઠોડ, પ્રણવ શાહ અને આકાશ સોનીની મુખ્ય ભૂમિકા ખુલ્લી પડી છે. આ આરોપીઓએ માત્ર કાગળ પર સંગઠન ઊભું કરી દેશભરના મોટા કરદાતાઓ પાસેથી દાન મેળવીને આવકવેરા કાયદા હેઠળ સો ટકા કરમુક્તિનો ગેરકાયદે લાભ અપાવ્યો હતો.

કૌભાંડીઓએ નાણાંની હેરાફેરી માટે અત્યંત વ્યવસ્થિત પદ્ધતિ અપનાવી હતી. બેંકિંગ માધ્યમથી પાર્ટીના ખાતામાં દાન મેળવ્યા બાદ ચૂંટણી પ્રચાર, સભાઓ અને જાહેરાતોના ખોટા ખર્ચા દર્શાવીને આ રકમ પ્રેનિત કોર્પોરેશન, હેશાઝ કોર્પોરેશન, આયાન એન્ટરપ્રાઇઝ અને શ્રી રામદેવ એન્ટરપ્રાઇઝ જેવી બોગસ પેઢીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. ત્યારબાદ આ રકમ આંગડિયા પેઢીઓ મારફતે રોકડમાં ઉપાડી લેવાતી હતી. પક્ષના સંચાલકો પોતાનું કમિશન કાપીને બાકીની રકમ રોકડેથી મૂળ દાતાઓને પરત પહોંચાડી દેતા હતા. કોઈ પણ સાચા બિલ કે વાઉચર વિના જ બોગસ ઓડિટ અહેવાલો સીધા સરકારી પોર્ટલ પર અપલોડ કરી દેવાયા હતા. આ રીતે અંદાજે ૨૫૦ કરોડ રૂપિયાની ટેક્સ ચોરી આચરી હોવાનું તપાસમાં ફલિત થયું છે.

LATEST ARTICLES