જૂનાગઢ શહેરમાંથી એક અત્યંત ગંભીર અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભા કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના મધુરમ વિસ્તારમાં પોતાની અસલી ઓળખ છુપાવીને ગેરકાયદેસર રીતે વસવાટ કરતી એક બાંગ્લાદેશી યુવતીને સ્થાનિક પોલીસે ઝડપી પાડી છે. પકડાયેલી યુવતી પોતાને નેપાળની નાગરિક ગણાવી સામાન્ય નાગરિકની જેમ રહેતી હતી. જોકે, પોલીસની ઝીણવટભરી અને આકરી પૂછપરછમાં તેનો આ ભાંડો ફૂટી ગયો હતો અને તે મૂળ બાંગ્લાદેશની નાગરિક હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને હવે કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈબી) દ્વારા પણ આ કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી ચોંકાવનારી વિગતો અનુસાર, આ યુવતી ખાલિદા ઉર્ફે મિથિલા તરીકે ઓળખાય છે અને તે બાંગ્લાદેશના નારાયણગંજ જિલ્લાની મૂળ વતની છે. ભારતમાં ગેરકાયદેસર રીતે રહેવા માટે તેણે મિથિલા સાજુ રોય નામ ધારણ કર્યું હતું અને પોતે નેપાળી હોવાનો દાવો કરતી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ યુવતી અગાઉ મહારાષ્ટ્રમાં રહેતી હતી, જ્યાં તે ડાન્સબારમાં કામ કરતી હોવાની વિગતો મળી છે. ત્યારબાદ તે ગુજરાત આવી પહોંચી હતી અને સુરતમાં થોડો સમય રોકાયા પછી જૂનાગઢમાં સ્થાયી થઈ હતી. જૂનાગઢમાં પણ તે અલગ-અલગ બ્યુટી પાર્લરોમાં છૂટક નોકરી કરતી હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢ સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે સઘન કાર્યવાહી કરીને આ યુવતીની અટકાયત કરી છે. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન અને શંકાસ્પદ સરનામાં દર્શાવતા બે દસ્તાવેજો જપ્ત કર્યા છે. કાયદાકીય પ્રક્રિયા હાથ ધર્યા બાદ યુવતીને સુરક્ષિત રાખવા માટે હાલ મહિલા વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ યુવતી ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને કેવી રીતે પ્રવેશી અને તેને નકલી દસ્તાવેજો તેમજ ઓળખ ઊભી કરવામાં સ્થાનિક સ્તરે કોણે મદદ કરી હતી.
આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા આ સંવેદનશીલ કેસમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ સાબદી બની છે. યુવતીના મોબાઈલ ફોનમાંથી મળેલા સંપર્કો, તેના ભૂતકાળના સ્થાનો તેમજ દેશમાં અન્ય કોઈ ગેરકાયદેસર નેટવર્ક સાથે તેની સંડોવણી છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક છાનબીન શરૂ કરવામાં આવી છે. બોગસ દસ્તાવેજોના આધારે ભારતમાં ઘૂસણખોરી કરવા પાછળનો મુખ્ય આશય જાણવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
