યુવાન વેપારી શિવા શર્માના બહુમાળી ઇમારત પરથી રહસ્યમય રીતે નીચે પટકાયા બાદ થયેલા મોતના કેસમાં દરરોજ નવા ચોંકાવનારા વળાંકો આવી રહ્યા છે. આ ચકચારી મામલામાં શિવાની પાર્ટનર અને જાણીતી સોશિયલ મીડિયા પ્રભાવક શ્રદ્ધા દુબે સામે ગંભીર આક્ષેપો થયા છે. ઘટના બાદથી શ્રદ્ધા દુબે અને તેના સાથીદારો રહસ્યમય રીતે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તપાસ અધિકારીઓ દ્વારા મળેલી પ્રાથમિક બાતમી અનુસાર, આરોપીઓ ભારત છોડીને પાડોશી દેશ નેપાળ તરફ ભાગી ગયા હોવાની પ્રબળ આશંકા છે, જેના પગલે હવે પોલીસે પોતાની તપાસની કડીઓ નેપાળ સરહદ સુધી લંબાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
આ હાઈપ્રોફાઈલ પ્રકરણમાં તાજેતરમાં ત્રણ ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા છે, જેણે સમગ્ર તપાસને એક નવી દિશા આપી છે. શિવાના મૃત્યુના થોડા સમય પહેલાં લેવાયેલા આ વીડિયોમાં શ્રદ્ધા દુબે કથિત ચોરીના મુદ્દે શિવા સાથે અત્યંત ઉગ્ર બોલાચાલી અને વિવાદ કરતી સ્પષ્ટપણે નજરે પડે છે. મૃતક શિવાના પરિવારે સીધો આક્ષેપ કર્યો છે કે શ્રદ્ધા અને તેના સાથીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને તેને બિલ્ડિંગ પરથી નીચે ધકેલી દીધો છે અને આ નિર્મમ હત્યા છે. તેની સામે ફરાર શ્રદ્ધાએ અગાઉ એવો બચાવ કર્યો હતો કે શિવાએ જાતે કૂદીને આપઘાત કર્યો છે. જોકે, પરિવારજનોએ આ દાવાને ધરાર નકારી કાઢી તટસ્થ તપાસની માંગ કરી છે.
આ ઉપરાંત સમગ્ર મામલામાં એક 'રહસ્યમય સર'ના નામની પણ ભારે ચર્ચા જાગી છે, જેણે આ ઘટના પાછળ કોઈ મોટા ષડયંત્રની આશંકાને બળ આપ્યું છે. આ અજાણી વ્યક્તિ આખરે કોણ છે અને તેનો આ પ્રકરણમાં શું રસ હતો, તે દિશામાં પણ ફોરેન્સિક અને સાયબર નિષ્ણાતોની મદદથી તપાસ ચાલી રહી છે. હાલ પોલીસની વિશેષ ટીમો વિવિધ સંભવિત સ્થળોએ દરોડા પાડી રહી છે તેમજ કોલ ડિટેઈલ્સ અને ડિજિટલ પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી હાથ ધરી છે. પોલીસ તંત્રનું કહેવું છે કે શ્રદ્ધા અને તેના સાથીઓની ધરપકડ બાદ જ આ રહસ્યમય મોતના મૂળ સુધી પહોંચી શકાશે.
