ગીર સોમનાથ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોને યોગ્ય પ્રોત્સાહન મળે તથા તેમના દ્વારા ઉત્પાદિત શુદ્ધ કૃષિ પેદાશોને બજારમાં પ્રમાણિત ઓળખ પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી પ્રાકૃતિક કૃષિ પ્રમાણપત્રોનું ડિજિટલ વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાજ્યવ્યાપી પહેલના ભાગરૂપે તાલાલા સ્થિત મેંગો એક્સેલન્સ સેન્ટર ખાતે ગીર સોમનાથ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પાંચ જૂથના કુલ પચાસ જેટલા પ્રગતિશીલ ખેડૂતોને રૂબરૂ બોલાવી સન્માનપૂર્વક પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ ખેડૂતોને ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી દ્વારા વિધિવત મંજૂર કરાયેલા પ્રાકૃતિક ખેતીના પ્રમાણપત્રો સુપરત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ ડિરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકારે સંબોધન કરતા જણાવ્યું હતું કે, હાલના સમયમાં માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણના હિત માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી અનિવાર્ય બની ગઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ હવે ખેડૂતો મોટા પાયે આ પદ્ધતિ તરફ વળી રહ્યા છે. આ સત્તાવાર પ્રમાણપત્ર મળવાથી ખેડૂતો દ્વારા ઉત્પાદિત પાકની બજારમાં વિશ્વસનીયતા વધશે અને ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાવાળો પાક મળશે. આ પ્રમાણપત્ર દરેક પ્રાકૃતિક કૃષિકારની નવી સન્માનજનક ઓળખ બનશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રમાણપત્ર વિતરણથી અન્ય ખેડૂતો પણ રાસાયણિક ખાતરો મુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત થશે, જે જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણ સંરક્ષણ માટે અતિ મહત્વપૂર્ણ છે. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામક કે. પી. સોજીત્રા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિમલ પટેલ, મદદનીશ બાગાયત નિયામક આશિત ટાંક તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ, કર્મચારીઓ તથા ખેડૂત જૂથોના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ અધિકારીઓએ પ્રમાણપત્ર મેળવનાર તમામ ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.
