ખેડા જિલ્લામાં ગુનાહિત સામ્રાજ્ય ચલાવતી કુખ્યાત ગેંગ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ શહેરના પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડ અને તેના પુત્ર નવઘણ ભરવાડ વિરુદ્ધ સંગઠિત ગુનાખોરી ડામવા માટે જિલ્લામાં સૌપ્રથમ વખત કડક ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાના ભાગરૂપે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની દરખાસ્તને પગલે અમદાવાદ રેન્જ પોલીસ મહાનિરીક્ષકે બંને રીઢા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી.
આટલા કડક કાયદા હેઠળ ગુનો દાખલ થયો હોવા છતાં પૂર્વ કાઉન્સિલરના પુત્ર રાજેશ ઉર્ફે નવઘણ ભરવાડના ચહેરા પર કાયદા કે પોલીસનો કોઈ જ ડર જોવા મળ્યો નહોતો. પોલીસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદ પૂર્વે ખાખી વર્દીની હાજરીમાં જ આરોપી નવઘણે મીડિયાકર્મીઓ અને ત્યાં હાજર લોકો તરફ બિભત્સ ઈશારા કર્યા હતા તેમજ આંખો કાઢીને ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેણે મીડિયા સાથે પણ ઘર્ષણ કરી ઉદ્ધત વર્તન દાખવ્યું હતું. પોલીસની કસ્ટડીમાં જ રીઢા ગુનેગારની આ બેફામ દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, બિલોદરા સ્થિત ગણપતિ મંદિર પાસે રહેતા ભાનુ જોધાભાઈ ભરવાડ વિરુદ્ધ વર્ષ ૧૯૯૭થી અત્યાર સુધીમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો, મહાવ્યથા, ધાકધમકી, રાયોટિંગ, હત્યાનો પ્રયાસ, ગુનાહિત ષડયંત્ર અને જમીન હડપવા જેવા ૨૦ જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં તેને અગાઉ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પણ થઈ ચૂકી છે. બીજી તરફ તેના પુત્ર નવઘણ સામે પણ હત્યાના પ્રયાસ અને લેન્ડ ગ્રેબિંગ સહિત ૧૩ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તે પણ હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી ચૂક્યો છે. પિતા-પુત્ર સામે કુલ ૩૩ ગુનાઓ નોંધાયેલા હોવાથી આ સંગઠિત ગેંગના આતંકને નાથવા આખરે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.
