સાબરકાંઠા જિલ્લાના સરહદી અને અંતરિયાળ ગણાતા પોશીના પંથકમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વાવેતર સામે પોલીસે લાલ આંખ કરી છે. પોશીના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને તેમના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે વલસાડી ગામમાં આવેલા મુખીફળો વિસ્તારમાં છાપો મારવામાં આવ્યો હતો. અહીં રહેતા દિપક હિરાભાઈ બુંબડીયા નામના શખ્સે પોતાના ખેતરમાં સામાન્ય પાક તરીકે કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ તેની આડમાં નફો રળવાના બદઇરાદાથી માદક પદાર્થ ગાંજાનું મોટા પાયે વાવેતર કર્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
પોલીસ ટીમે બાતમીવાળા ખેતરમાં પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરતાં કપાસના છોડની વચ્ચે સુવ્યવસ્થિત રીતે છુપાવીને ઉગાડવામાં આવેલા ગાંજાના લીલાછમ છોડ મળી આવ્યા હતા. પોલીસે ખેતરમાંથી કપાસની વચ્ચે ઉભેલા ગાંજાના છોડને મૂળમાંથી ઉખેડી લીધા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે અંદાજે ૩૨.૭૩૪ કિલોગ્રામ વજન ધરાવતા ગાંજાના છોડ કબ્જે કર્યા હતા, જેની બજાર કિંમત આશરે ૧૬,૩૬,૭૦૦ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. આ સમગ્ર મામલે ખેતર માલિક દિપક બુંબડીયા વિરુદ્ધ માદક પદાર્થ સંબંધી કાયદા હેઠળ ગુનો દાખલ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં આવેલા વિવિધ ગામડાઓમાં ખેતીની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવાનું વલણ વધ્યું છે. જોકે, પોલીસ તંત્ર પણ આવા અસામાજિક તત્વો સામે સતર્ક બન્યું છે અને તાજેતરમાં જ સ્થાનિક પોલીસે ચારથી વધુ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદે વાવેતર કરાયેલા ગાંજાના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પંથકમાં ચાલતા આ સમગ્ર ગેરકાયદે નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
